ધર્મ

બુદ્ધિ બળ પ્રાપ્ત કરવા મંગળવારે કરો હનુમાનજીની આરાધના

મંગળવારનો દિવસ પવનપુત્ર હનુમાનજીને સમર્પિત છે, ભગવાન રામના પ્રિય અને શિવજીના રુદ્ર અવતાર એવા હનુમાનજીના પરાક્રમથી સૃષ્ટિમાં કોઈ અજાણ નથી. રામાયણ અનુસાર હનુમાનજી બલિષ્ઠ પુરુષ હતા. તેમના જેટલું બળ અને શક્તિ અન્ય કોઈમાં ન હતા. હનુમાનજી સુવર્ણ મુકુટ ધારણ કરતાં અને જનોઈ તેમના ખભા પર શોભતિ. હનુમાનજી શ્રીરામના એવા ભક્ત હતા જેમણે પોતાના હૃદયમાં સિયા-રામને સાક્ષાત કરી બતાવ્યા હતા. તો ચાલો આજે જાણો હનુમાનજી સાથે જોડાયેલી આવી જ કેટલીક અજાણી વાતો વિશે.

હનુમાનજીનો જન્મ
હનુમાનજીનો જન્મ કરોડો વર્ષ પહેલા થયો હતો. ચૈત્ર માસની પૂનમ અને મંગળવારના દિવસે અંજલિ માતાના ગર્ભથી હનુમાનજીએ જન્મ લીધો હતો. હનુમાનજીનો જન્મ ચિત્રા નક્ષત્રમાં થયો હતો.

હનુમાનજીનું સ્વરૂપ
બજરંગબલીનું સ્વરૂપ અલૌકિક હોવાનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. તેમનું શરીર વજ્ર જેવું હતું. હનુમાનજીને પવન પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હનુમાનજી સંકટ મોચન છે જે ભક્તોના દુ:ખ તુરંત દૂર કરી દે છે. જાતકની તમામ ચિંતાઓનું શીઘ્ર નિવારણ કરી શકે છે.
 
કેવી રીતે કરવી હનુમાનજીની પૂજા
હનુમાનજીની પૂજા સામાન્ય રીતે લોકો શનિવારે વધારે કરતાં હોય છે. પરંતુ હનુમાનજીની પૂજા મંગળવારે કરવાથી તેમની કૃપાદ્રષ્ટિ તમારા પર સદા રહેશે. મંગળવારે સવારે વહેલા જાગી જવું અને નિત્યકર્મથી નિવૃત થઈ અને બજરંગ બલીનું ધ્યાન ધરી અને પૂજા કરવી. આ દિવસે રામ નામનો જાપ પણ કરી શકાય છે.

મંગળવારે સંધ્યા સમયે ઘરમાં હનુમાનજીની પૂજા કરવી. તેના માટે એક બાજોઠ પર લાલ કપડું પાથરી અને હનુમાનજીનો ફોટો તેના પર રાખવો. ફોટો એવી રીતે રાખવો કે હનુમાનજીનું મુખ દક્ષિણ દિશા તરફ રહે. હનુમાજી સમક્ષ તેલનો દીવો કરવો અને ‘ॐ હં હનુમતે નમ:’ મંત્રનો જાપ કરવો. આ જાપ 108 વાર કરવો, જો શક્ય હોય તો આ દિવસે સુંદરકાંડનો પાઠ કરવો.

Back to top button