ધર્મ

નવરાત્રીમાં ડુંગળી લસણ કેમ ના ખાવું જોઈએ, આ ખાસ કારણ છે.

નવરાત્રીમાં લોકો ઉપવાસ કરીને માતા અંબાની વિધિ વિધાન સાથે પૂજા કરતાં હોય છે. પોતાની શ્રધ્ધા અને શકતી અનુસાર ઘણા લોકો પૂરા નવ દિવસ તો ઘણા લોકો પહેલા અને છેલ્લા ફક્ત બે દિવસ વ્રત કરતાં હોય છે. હવે જે લોકો નવરાત્રી દરમિયાન વ્રત નથી કરી શકતા તેમણે આ નવ દિવસ દરમિયાન સાત્વિક ભોજન લેવું જોઈએ. નવરાત્રીના પાવન દિવસોમાં લસણ – ડુંગળીનું સેવન કરવું જોઈએ નહીં. શાસ્ત્રો અનુસાર નવરાત્રીમાં લસણ – ડુંગળીનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે. ચાલો તમને આજે જણાવી દઈએ કે નવરાત્રીમાં આખરે કેમ ડુંગળી અને લસણ ના ખાવું જોઈએ.

નવરાત્રીના નવ દિવસોમાં ડુંગળી અને લસણનું સેવન કરવું વર્જિત એટલે કે મનાઈ માનવામાં આવે છે કેમ કે ડુંગળી અને લસણ બંને તામસી પ્રકૃતિની ભોજન સામગ્રી ગણાય છે. શાસ્ત્રો મુજબ તેના સેવનથી અજ્ઞાનતા અને વાસનામાં વધારો થાય છે.

આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે લસણ ડુંગળી એ જમીનની નીચે ઊગે છે. આ બંનેની સફાઇ દરમિયાન ઘણા સૂક્ષ્મ જીવોનું મૃત્યુ થઈ જાય છે. એવામાં તેને ઉપવાસ દરમિયાન કે પછી શુભ કામ દરમિયાન ખાવું અશુભ મનાય છે.

લસણ અને ડુંગળી ના ખાવા પાછળ એક પૌરાણિક કથા પણ ફેમસ છે, તે કથા અનુસાર, સ્વરભાનુ નામનો એક રાક્ષસ હતો જેણે સમુદ્ર મંથન પછી દેવતાઓ વચ્ચે બેસીને દગો કરીને અમૃત પી લીધું હતું. આ વાત જ્યારે મોહિની સ્વરૂપ ધારણ કરેલ ભગવાન વિષ્ણુને ખબર પડી તો તેમણે પોતાના ચક્રથી સ્વરભાનુનું માથું ધડથી અલગ કરી દીધું. સ્વરભાનુનું માથું અને ધડને આપણે રાહુ અને કેતુ તરીકે ઓળખીએ છે.

કહેવાય છે કે માથું અલગ કરી દીધા પછી સ્વરભાનુના માથા અને ધડમાંથી અમૃતના થોડા ટીપાં ધરતી પર પડ્યા હતા, જેનાથી લસણ અને ડુંગળીની ઉત્પતિ થઈ હતી. કેમ કે લસણ અને ડુંગળીની ઉત્પતિ અમૃતના ટીપાંથી થઈ છે એટલે આ બંને વસ્તુઓ રોગો દૂર કરવામાં પણ કારગર સાબિત થાય છે, પણ તેની ઉત્પતિ રાક્ષસમાં મુખમાંથી થઈ છે એટલે તેને અપવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે પૂજામાં ક્યારેય પણ ભગવાનને લસણ અને ડુંગળીનો ભોગ લગાવવામાં આવતો નથી.

Back to top button